કેવી રીતે જઈશ – ગુજરાતી સિનેમાનાં સુવર્ણ યુગનો હલકારો
અભિનય બેંકર / ૨૭ મે ૨૦૧૨, રવિવાર
કાશીનો દીકરો (૧૩ રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર), ભવની ભવાઈ (૫ રાષ્ટ્રીય પુરસ્કાર), કંકુ (રાષ્ટ્રીય પુરસ્કાર), સંતુ રંગીલી, મારી હેલ ઉતારો રાજ (અરુણા ઈરાની- શ્રેષ્ઠ અભિનેત્રી રાષ્ટ્રીય પુરસ્કાર), જીગર અને અમી, જેસલ તોરલ, મેના ગુર્જરી, માનવીની ભવાઈ, તાના-રીરી જેવા અનેક સર્જન ગુજરાતી સિનેમાનાં ઇતિહાસનાં પાને સુવર્ણ અક્ષરે લખાયેલ છે. આ ઇતિહાસનાં પન્ને વર્ષો પછી એક BLOCKBUSTER ફિલ્મની નોંધ લેવાઈ “દેશ રે જોયા દાદા પરદેશ જોયા” જે લગભગ ૮ મહિનાથી પણ વધુ સમય સિનેમાઘરોમાં ચાલી હતી (ત્યારે મલ્ટી-સ્ક્રીન્સ નોહતી). આવો મજબૂત, અદભૂત અને લાક્ડાતોડ ઇતિહાસ માત્ર ભૂલી જવાય અથવા તો ક્યારેક ફિલ્મોની સાંપ્રત પરિસ્થિતિની ટીકા કરતો ભૂતકાળ બનીને રહી જાય એનાથી મોટું દુખ શું હોય શકે!! ધૂળ ખાતો ઇતિહાસ અને તેના વણલખ્યા પાના કાટ ખાઈને પીળા પડી રહ્યા છે.
ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સાહિત્ય સમૃદ્ધ અને જગવિખ્યાત છે પણ એની સાથે દરિદ્રતા તો જુઓ…. ખરેખર વિચારવા જેવી વાત છે કે, ગુજરાતી પોતાનીજ માતૃભાષા -FIRST LANGUAGE ને અવગણે છે, શરમથી માથું નીચું કરી દેવું પડે છે જયારે ગુજરાતી ફિલ્મોની વાત નીકળે. ગુજરાતી માણસ પોતાની ભાષાની ફિલ્મ નથી જોવા જતો અને જો કોઈ આપણી ફિલ્મોની ટીકા કરે તો સાથે મળીને ગાળો પણ ખુબ આપે છે. પ્રેક્ષકની અપેક્ષા અને નિર્માતાઓનાં સર્જન વચ્ચે સમજણની એક મોટી ખીણ સર્જાયેલી છે જેની ૧૦૦% અસર ગુજરાતી ફિલ્મો ઉપર અને નિર્માતા-દિગ્દર્શકોની સર્જનશક્તિ થકી પડી. અને આ એજ પ્રેક્ષક છે જે ફિલ્મોની વાતે માથું નીચું કરીને ચાલે છે અને નાટકોની દુનિયામાં શર્ટનાં બે બટન ખોલીને ઉભો હોય છે. પ્રેક્ષક હમેશા સર્જક કરતા હોશિયાર હોય છે, માફ કરજો પણ આ વાત સ્વાદમાં જરાક સત્ય છે.

એક સમય હતો જયારે ફિલ્મોની ટીકીટો બ્લેકમાં વેચાતી, મલ્ટી-સ્ક્રીન્સ આવ્યા પછી એ સમય પણ ચાલ્યો ગયો, પણ જયારે હું ગુજરાતી નાટકોની ટીકીટ બ્લેકમાં વેચાતી જોઉં છું તો ગર્વથી છાતી ૪ ઈંચ પોહ્ડી થઇ જાય છે. ભાવેશ માંડલિયા નું “કાનજી વિરુદ્ધ કાનજી” હોય કે પછી સિદ્ધાર્થ રન્દેરીયાનું “ગુજ્જુભાઈ” હોય કે પછી સૌમ્ય જોશીનું માઈલસ્ટોન સર્જન “વેલકમ જીંદગી” આ તમામ ઉદાહરણ ચીસો પાડી-પાડીને કેહ છે કે “જો વાતમાં દમ હશે તો ચિંતા નેવે મુકો, પ્રેક્ષક બેઠો છે”. હિન્દુસ્તાનમાં અનેકો ભાષામાં નાટકો અને ફિલ્મો બને છે, રંગભૂમિ ઉપર મરાઠી, બંગાળી, હિન્દી અને ગુજરાતી નાટકો હિન્દુસ્તાનની તમામ ભાષાઓમાં થી સહુથી વધુ ચાલતા નાટકો છે. ઘણી બધી ભાષામાં નાટકો ભજવાય છે પણ માત્ર ગુજરાતી નાટકની ટીકીટ-બારી ઉપરજ હોઉસફૂલનાં પાટિયા અને નાટકની ટીકીટ બ્લેકમાં વેચાય છે, વાત વિચાર માંગી લે એવી છે. સર્જક જો માત્ર પ્રેક્ષકો ઉપર બધું ઢોળી દે તો કેમ કરીને ચાલે ? આજે બંગાળી કે મરાઠી રંગભૂમિ તરફ એક નજર કરીએ તો આજે પણ તે ભાષામાં થતા સર્જન પ્રખર છે, તેમની ફિલ્મોની પરિસ્થિતિ ખુબ ઘણી સારી છે, બોલીવૂડમાં કામ કરતી ઘણી અભિનેત્રીઓનો જન્મ બંગાળી અને મરાઠી સિનેમાનાં ખોળામાં થયો છે. પણ જો એક નજર આપણે ગુજરાતી સિનેમા તરફ કરીએ તો….
કદાચ હળવી ધુમ્મસ છે, થોડો કાટ છે, અને પેશનની ખુબ ઘણી અછત છે.
૨૦૧૨ માં રીલીઝ થયેલી ફિલ્મોનું મજુસ ખોલો તો બોક્સ-ઓફીસ ઉપર હીટ થયેલી અને પ્રેક્ષકમિત્રોનો વહાલભર્યો આવકાર જેમણે જ્હીલ્યો એ બધીજ લો-બજેટ ફિલ્મો છે જેમણે માત્ર મજબૂત સ્ક્રીપ્ટ અને સારી ટ્રીટમેન્ટથી લોકોનું દિલ જીતી લીધું કોઈ પણ ખાન કે કપૂર વિના. ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈની જાગીર નથી કે ગઈ કાલની પેઢી આવનારી પેઢીને વારસા તરીકે આપીને જાય, ભલે તે બોલીવૂડ હોય કે ગુજરાત. તમને યાદ હોય તો સંજીવ કુમાર, આશા પારેખ, અમજદ ખાન, નસીરુદ્દીન શાહ,ઓમ પૂરી, સ્મિતા પાટીલ, મલ્લિકા સારાભાઈ, નિરુપા રોય, રાજેન્દ્ર કુમાર, મોહન ગોખલે, અરવિંદ જોશી, પ્રવીણ જોશી, અરુણા ઈરાની અને અસરાની જેવા અદભુત કલાકારો ગુજરાતી સિનેમાનાં ઇતિહાસનાં પાને જીવે છે, આજે આ બધાજ નામો રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ લેવાય છે, આ એજ સુવર્ણ કાળની વાત છે જયારે હિન્દી ફિલ્મોનું જબરજસ્ત જોર હોવા છતાં પણ ગુજરાતી ફિલ્મો તેમને અભિનય કરવા ખેંચી લાવતી. ગુજરાતી સિનેમાનો સુવર્ણ યુગ હતો, જાળવી રાખવો આપણા નિર્દેશકો અને નિર્માતાઓની ફરજ હતી, યુગ ગયો છે પણ આશા નથી ગઈ…. નવા ટ્રેન્ડ સાથે નાવી વાત, મજબૂત કથા અને પટકથા, અદભુત કામેરા વર્ક,કર્ણપ્રિય સંગીત, નિર્દેશન અને લેખકની કલમ માંથી નવો પ્રેક્ષક વર્ગ ઉભો થઇ શકે એવી વાર્તાઓ અને કોન્સેપ્ટ નીકળે…. તો સાચા અર્થમાં ધબકતા અને ફાડી નાખે નાખે એવા એક્ટર્સ હાજરા હજૂર છે. આજે પણ ગુજરાતમાં પ્રતિભાશાળી કલાકારો આશીર્વાદ રૂપે અપાયેલા છે અને હિરોઈન થવા તૈય્યાર હોય તેવી એક્ટ્રેસીસ પણ છે જે માત્ર
“છાતી હલાવતા નૃત્ય” પર નહિ પણ તેની સાચી કળા અને પ્રતિભાનાં જોર પર ગુજરાતી ચિત્રપટનો યુગ બદલી શકે છે.

કોઈ પણ પ્રાંત ભાષાની સહુથી મજબૂત મુળી એની સંસ્કૃતિ અને એનો ઇતિહાસ છે, અને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતનો ઇતિહાસ ખુબ વિશાળ અને સમૃદ્ધ છે. બસ એને રજુ કરવાની રીત અને જોવાનો નજરીયો બદલવાની જરૂર છે. સારી વસ્તુને સારા પેકિંગમાં આપીએ તો લોકો જોવા પણ આવે અને સારી વસ્તુ જોયાનો સંતોષ પણ મેળવે. ઘણા વર્ષો પેહલા વિપુલ શર્માએ અર્બન ફિલ્મ “લવ ઇઝ બ્લઈન્ડ” નું સર્જન કર્યું હતું, મલ્ટીપ્લેક્સ થીએટરમાં રીલીઝ થનારી સર્વ પ્રથમ ફિલ્મ. દેવાંગ પટેલે “વનેચંદ નો વરઘોડો” નામે ફિલ્મ બનાવી જેણે ખાસ કઈ કસ નાં કાઢ્યો, થોડાક મહિના પેહલા હિતેન કુમારની ફિલ્મ “ચાર” ક્યારે રીલીઝ થઇ અને ક્યારે ઉતરી ગઈ ખબર જ નાં પડી. પેશન ક્યાંક ખૂટ્યા કરે છે……
પણ આ આશાઓ, ઈચ્છાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરતા પેશનેટ અને યુવા દિગ્દર્શકોનો જન્મ થઇ ચુક્યો છે. ધૂળ ખાતા ઇતિહાસનાં એ ચોપડા ફરી ખોલી નાખનાર આશિષ કક્કડે “બેટર હાલ્ફ” નો સિક્કો માર્યો, અને અધૂરા રહી ગયેલા એજ ઇતિહાસનાં સોનેરી પાનાં ઉપર એક નવુંજ નામ અભિષેક જૈને પોતાની આગમી ફિલ્મ “કેવી રીતે જઈશ” સાથે કંડાર્યું છે.
સીનેમેન પ્રોડક્શનની એક અર્બન ગુજરાતી ફિલ્મ “કેવી રીતે જઈશ” ૧૫ જુન ૨૦૧૨ નાં રોજ ગુજરાત સહીત મુંબઈનાં સિનેમાઘરોમાં રીલીઝ થઇ રહી છે ત્યારે ફિલ્મનાં લેખક અનીશ શાહ અને અભિષેક જૈન સહીત નિર્માતા નયન જૈન, એક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર રીતમ ભટનાગર,ચીફ એડી મીખીલ મુસાલે ફિલ્મને કેમેરામાં કૈદ કરનાર અને આપણે ક્યારેય ન જોયું હોય તેવું આપણું જ અમદાવાદ આપણી સમક્ષ લાવનાર ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી પુષ્કર સીંગ, આર્ટ ડિરેક્શન બારીકીથી કાળજી લેનાર ટીમ તાજ અલી નકવી, ઈશાન ભ્રમ્ભટ્ટ અને શોમીનની રોય, પ્રથમ વાર ગુજરાતી સિનેમામાં VFXઈફેક્ટસનો ઉપયોગ કરનાર રિહાન પટેલ, ફિલ્મનાં એડિટર મનન અશ્વિન મેહતા જેમણે ડોન-૨, ઝીંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મ્સમાં અસોસિએટ એડીટ કર્યું છે, સેજ પણ કૃત્રિમ ન લાગે તેવો મેક-અપ કરનાર હેતુલ તપોધન, કેડિયા-ઘાઘરા અને પાઘડીમાં થી બહાર લાવનાર કોસ્ચ્યુમ ડીઝાઈનર બંસરી શાહ, “પંખીડા” જેવા લોકપ્રિય ગરબાનું રોક વર્ઝન લખનાર અને ધારદાર ગીતકાર જૈનેશ પંચાલ, તેને રોક મુઝિક નો સ્વાદ આપ્યો નડિયાદનો યુવા સંગીતકાર વિશ્વેશ પરમાર અને આ સ્વાદ ને સુરજ જગનનાં કંઠે માણી શકાશે જેણે “ગીવ મેં સમ સન શાઈન” (૩ ઈડિયટ્સ), “આફતો કે પરિંદે” (ઈશાક્ઝાએ) જેવા પોપુલર ગીતો ગયા છે, રઈશ મણિયાર જેવા ઉમદા ગીતકારનાં લિરિક્સને રૂપકુમાર રાઠોડ, ઐશ્વર્યા મજુમદાર, પાર્થિવ ગોહિલ, અમન લેખડિયા, ધ્વનિત ઠાકર, વિશ્વેશ પરમાર અને મેહુલ સુરતીએ પોતાના અવાજથી સોનામાં સુગંધ ભેળવી છે એવા ગાયકો, ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન જ્યાં શક્ય બન્યું તેવા યશરાજ સ્ટુડીઓ,મુંબઈ અને આ ફિલ્મ જેમના વિના કોઈ પણ કાળે શક્ય નાજ થઇ શકી હોત તેવી ખડતલ અને ક્યારેય નઈ થાક્નારીપ્રોડક્શન ટીમથી માંડીને સેટ ઉપર હાજર-હજુર રેહનારા સ્પોટબોય સુધી તમામ સહભાગી મિત્રોને જેમણે આ ફિલ્મનાં નિર્માણમાં સુક્ષ્મ રીતે પણ ભાગ ભજવ્યો છે તેવા તમામ મિત્રો ને ખુબ-ખુબ અભિનંદન…..
અને છેલ્લે,
૧૮ વર્ષનો કોલેજ જતો કે ૬૦ વર્ષનો મોર્નિંગ વોક પર જતો જુવાનીયો તેના iPodમાં રાખી શકે, ૩૦ વર્ષની વર્કિંગ વીમેન એક્ટીવા ચલાવતા-ચલાવતા હેન્ડ્સ-ફ્રી લગાવીને સાંભળી શકે, મમ્મી શાક સમારતા કે રસોડામાં કામ કરતા ગણગણાવી શકે એવું સંગીત આપી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને નવા-શ્વાસ આપવા બદલ મેહુલ સુરતીને સો-સો સલામ.
“કેવી રીતે જઈશ” – આ ફિલ્મ માત્ર ફિલ્મ નથી પણ ગુજરાતી ફિલ્મનાં સુવર્ણયુગ નો હલકારો છે.
© અભિનય બેંકર
Like this:
Like Loading...